Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી
નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.
મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ વિગતો, પમ્પીંગ સ્ટેશનો, રિઝર્વમાં રહેલી મોટરો અને કાંઠા વિસ્તારના કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નવસારી સિંચાઇ વિભાગના કામોની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ વસુલાતો, ગત વર્ષે થયેલા કામોની વિગત મેળવી ચાલુ વર્ષે આયોજનમાં લીધેલા કામો, કેનાલ નેટવર્ક અંતર્ગત નહેર સુધારણા, લાઇનીંગની લંબાઇ અંગે માહિતી મેળવી હતી. આ સાથે મંત્રીશ્રીએ પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપભેર નિવારણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નવસારી ડ્રેનેજ વિભાગની કામગીરીમાં ટાઈડલ રેગ્યુલેટરની કામગીરી, દરિયાઈ ધોવાણના પ્રોટેકશનની કામગીરી, કાકરાપાર ઉકાઇ અને કમાન્ડ વિસ્તાર હેઠળ આવતી કાંસોની સાફ-સફાઈ, ગ્રામ્ય રસ્તા તથા ગાડા માર્ગો ઉપર કાંસ/ડ્રેઈન ઉપર અવરજવર માટે પાઈપ ડ્રેઈન, આર.સી.સી.બોક્ષ કલ્વર્ટ જેવા સ્ટ્રકચરોના બાંધકામ, સુજલામ્ સુફલામ જળ અભિયાન હેઠળના કામો, નદીઓ ઉપર પૂર સંરક્ષણના વિવિધ કામોની સમીક્ષા કરી સઘન મોનિટરીંગ અને સુપરવિઝન રાખવા તાકીદ કરી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી આર.સી.પટેલ અને રાકેશભાઇ દેસાઇ, પાણી પુરવઠા અધિકારીશ્રી આશાબેન પટેલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સંલગ્ન વિભાગની કામગીરીની વિગત પ્રેઝન્ટેશન રજૂ કરી આપી હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment